IPL Controversies: મેદાન પરનો જંગ કે મર્યાદાનો ભંગ? IPL ઇતિહાસના 5 સૌથી મોટા વિવાદો, જેણે ક્રિકેટ જગતમાં મચાવ્યો હતો ખળભળાટ

TOP IPL Controversies

આઈપીએલમાં ખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ નવી વાત નથી. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે 2013માં શરૂ થયેલી તકરાર 2023માં પણ જોવા મળી હતી. પરંતુ કેટલાક વિવાદો એવા હતા જેણે સમગ્ર રમતને શર્મસાર કરી દીધી હતી. આવો જોઈએ IPLના 5 સૌથી મોટા સ્કેન્ડલ્સ:

5. RCB ના DJ સામે CSK ની ફરિયાદ: IPL 2026

તાજેતરના આઈપીએલ 2026 માં એક નવો વિવાદ સામે આવ્યો છે. 5 એપ્રિલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી RCB vs CSK મેચ દરમિયાન સ્ટેડિયમના DJ એ ‘ડોસા-ઈડલી’ (Dosa-Idli) નામનું ગીત વગાડ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ગીતને તમિલ સંસ્કૃતિની મજાક ગણાવી BCCI માં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. આ વિવાદના મૂળ 2025માં છે, જ્યારે RCB ના જિતેશ શર્માએ આ ગીત દ્વારા CSK ની મજાક ઉડાવી હોવાનો આરોપ લાગ્યો હતો.

4. મિશેલ સ્ટાર્ક અને કિરોન પોલાર્ડની લડાઈ: IPL 2014

વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ અને બેંગ્લુરુ વચ્ચેની મેચમાં હદ તો ત્યારે થઈ જ્યારે વેસ્ટ ઈન્ડિઝના પોલાર્ડે સ્ટાર્ક તરફ બેટ ફેંક્યું હતું. સ્ટાર્કે બાઉન્સર નાખ્યા બાદ પોલાર્ડને કંઈક સલાહ આપી હતી, જે તેને પસંદ ન આવી. પછીના બોલે જ્યારે પોલાર્ડ હટી ગયો હોવા છતાં સ્ટાર્કે બોલ નાખ્યો, ત્યારે ગુસ્સે ભરાયેલા પોલાર્ડે હવામાં બેટ ફેંક્યું જે સ્ટાર્કની નજીક જમીન પર પડ્યું. આ ઘટના બદલ બંનેને મેચ ફીનો મોટો દંડ થયો હતો.

3. શાહરૂખ ખાન પર વાનખેડેમાં 5 વર્ષનો પ્રતિબંધ: IPL 2012

KKR ના સહ-માલિક અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 2012 માં વિવાદમાં આવ્યા હતા. મુંબઈ સામેની મેચ બાદ શાહરૂખની સ્ટેડિયમના સિક્યોરિટી સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. MCA (મુંબઈ ક્રિકેટ એસોસિએશન) એ આક્ષેપ કર્યો હતો કે શાહરૂખે દારૂના નશામાં ગેરવર્તણૂક કરી હતી. જોકે, શાહરૂખે આ વાત નકારી અને કહ્યું કે તે તેના બાળકો સાથે થયેલી ગેરવર્તણૂકનો વિરોધ કરી રહ્યો હતો. પરિણામે, MCA એ શાહરૂખ પર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર 5 વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.

2. હરભજન સિંહ અને શ્રીસંતનો ‘થપ્પડ કાંડ’: IPL 2008

IPL ની પ્રથમ સીઝનમાં જ સૌથી મોટો વિવાદ થયો હતો. પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ બાદ હરભજન સિંહે યુવા ખેલાડી શ્રીસંતને થપ્પડ મારી હતી. લાઈવ ટીવી પર શ્રીસંત રડતો જોવા મળ્યો હતો, જેનાથી સમગ્ર દેશમાં હોબાળો મચ્યો હતો. આ ઘટના બાદ હરભજન પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

1. CSK અને રાજસ્થાન રોયલ્સ પર 2 વર્ષનો પ્રતિબંધ: 2016-2017

IPL ના ઇતિહાસનો આ સૌથી કાળો અધ્યાય છે. 2013 ના સ્પોટ-ફિક્સિંગ અને બેટિંગ કૌભાંડની તપાસ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) ને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ બંને ટીમો 2016 અને 2017 ની સીઝન રમી શકી નહોતી, જેણે કરોડો ચાહકોના દિલ તોડી નાખ્યા હતા.

Leave a Comment