રાશિદ ખાનનો મોટો ઘટસ્ફોટ: ડોક્ટરે આપી ક્રિકેટથી દૂર રહેવાની કડક સલાહ, શું ખતરામાં છે ‘કરામતી’ ખાનનું કરિયર?

rashid-khan-test-retirement-hint

ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર રાશિદ ખાને બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે 17 રન આપીને 3 વિકેટ ઝડપી પોતાની ટીમને 1 રને રોમાંચક જીત અપાવી હતી. જોકે, આ જીતના જશ્ન વચ્ચે રાશિદે પોતાની હેલ્થને લઈને જે ખુલાસો કર્યો છે તે ચાહકો માટે ચિંતાજનક છે.

ડોક્ટરે આપી ‘રેડ-બોલ’ ક્રિકેટ છોડવાની ચેતવણી

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાશિદે જણાવ્યું કે તેના ડોક્ટરે તેને લાલ બોલના ક્રિકેટ (ટેસ્ટ મેચ) થી દૂર રહેવાની સલાહ આપી છે. રાશિદે કહ્યું, “મારા ડોક્ટરે મને પહેલી વાત એ કહી હતી કે – ‘રેડ-બોલ ક્રિકેટથી દૂર રહેજે’. ટેસ્ટ ક્રિકેટ રમવું થોડું મુશ્કેલ છે કારણ કે તેમાં લાંબી ઓવરો ફેંકવી પડે છે.”

રાશિદે વધુમાં ઉમેર્યું, “સર્જરી બાદ મેં ઝિમ્બાબ્વે સામે એક મેચ રમી અને 67 ઓવર ફેંકી, જે પાગલપન હતું. જ્યારે ડોક્ટરને ખબર પડી ત્યારે તેઓ આઘાતમાં હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો તારે લાંબુ રમવું હોય તો તારે રેડ-બોલ ક્રિકેટથી દૂર રહેવું પડશે, નહીંતર તારું કરિયર લાંબુ નહીં ચાલે.”

2023 થી ઈજા સાથે સંઘર્ષ

રાશિદ ખાન 2023 થી પીઠની ગંભીર સમસ્યા (Back Issues) થી પીડાઈ રહ્યો છે. 2023 ના વનડે વર્લ્ડ કપમાં રમવા માટે તેણે સર્જરી ટાળી હતી, પરંતુ ત્યારબાદ તેને યુકેમાં સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરીને કારણે તે લાંબો સમય ક્રિકેટથી દૂર રહ્યો હતો. 2025 ના આઈપીએલમાં પણ તેની ઈજાની અસર જોવા મળી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં રાશિદનો રેકોર્ડ

અફઘાનિસ્તાને 2017 માં ટેસ્ટ દરજ્જો મેળવ્યા બાદ અત્યાર સુધી 12 મેચ રમી છે, જેમાંથી રાશિદ માત્ર 6 મેચનો ભાગ રહ્યો છે. જાન્યુઆરી 2025 માં તેણે ઝિમ્બાબ્વે સામે 11 વિકેટ ઝડપી શાનદાર વાપસી કરી હતી, પરંતુ ફરીથી ઈજાના કારણે તે મુશ્કેલીમાં મુકાયો છે.

Leave a Comment