સંજુ સેમસનની વિદાયનું ‘અસલી’ કારણ આવ્યું સામે! યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ પર લાગ્યા ગંભીર આરોપ

yashasvi-jaiswal-riyan-parag-reason-behind-sanju-samson-rr-exit

જયપુર: આઈપીએલ 2026 ના ઓક્શન પહેલા જ્યારે રાજસ્થાન રોયલ્સે તેમના સૌથી લોકપ્રિય ખેલાડી અને કેપ્ટન સંજુ સેમસનને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માં ટ્રેડ કર્યો, ત્યારે દરેકના મનમાં એક જ સવાલ હતો – આવું કેમ થયું? હવે સંજુ સેમસનના પિતા વિશ્વનાથે એક પોડકાસ્ટમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.

“રોયલ્સે મારા પુત્રને રાજાની જેમ રાખ્યો હતો”

સંજુના પિતાએ સ્પષ્ટ કર્યું કે રાજસ્થાન રોયલ્સના મેનેજમેન્ટ સાથે સંજુને કોઈ અણબનાવ નહોતો. તેમણે કહ્યું, “રાજસ્થાન રોયલ્સે મારા પુત્રને બધું જ આપ્યું છે. ભલે ત્યાં કોઈ તાજ નહોતો, પણ તેઓ મારા પુત્રને એક રાજાની જેમ રાખતા હતા. મેં પોતે અનુભવ્યું છે કે ફ્રેન્ચાઈઝી સંજુને કેટલી વિશેષ ગણતી હતી. તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે સંજુ ટીમ છોડીને જાય.”

જયસ્વાલ અને રિયાન પરાગની મહત્વાકાંક્ષા બની કારણ?

વિશ્વનાથે ઘટસ્ફોટ કર્યો કે ટીમમાં બે વરિષ્ઠ ખેલાડીઓ – યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ – એવું માનતા હતા કે તેઓ હવે ટીમનું નેતૃત્વ કરવા માટે હકદાર છે. સંજુના પિતાના મતે, આ બંને યુવા ખેલાડીઓ પોતાની કારકિર્દીને સ્થિર કરવા માટે કેપ્ટનશીપનું લક્ષ્ય રાખી રહ્યા હતા.

જ્યારે સંજુને લાગ્યું કે તેની હાજરી આ બંને યુવા ખેલાડીઓના મહત્વાકાંક્ષી રસ્તામાં અવરોધ બની રહી છે, ત્યારે તેણે પોતે જ સામે ચાલીને ટીમ છોડવાનો પ્રસ્તાવ મૂક્યો. સંજુ ઈચ્છતો હતો કે તેની વિદાય બાદ જયસ્વાલ અથવા પરાગમાંથી કોઈ એક ટીમની કમાન સંભાળે.

રિયાન પરાગ બન્યો રાજસ્થાનનો નવો ‘સેનાપતિ’

અહેવાલો મુજબ, RR એ સંજુના વિકલ્પ તરીકે યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલના નામ શોર્ટલિસ્ટ કર્યા હતા. જોકે, હેડ કોચ કુમાર સંગાકારાએ રિયાન પરાગની ઓલરાઉન્ડ ક્ષમતા અને નેતૃત્વ કૌશલ્યને જોઈને તેને IPL 2026 માટે કેપ્ટન તરીકે જાહેર કર્યો છે.

30 માર્ચે થશે આમને-સામને

રસપ્રદ વાત એ છે કે, IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ પોતાની પ્રથમ મેચ 30 માર્ચ ના રોજ બરસાપારા સ્ટેડિયમમાં સંજુ સેમસનની નવી ટીમ CSK સામે જ રમશે. આ મેચમાં સંજુ હવે રવીન્દ્ર જાડેજા અને સેમ કરન (જેઓ RR માં આવ્યા છે) સામે મેદાનમાં ઉતરશે.

Leave a Comment